રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પણ પોતાના ગ્રાહકો પર લોનનો બોજ વધારી દીધો છે. બેન્કે બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી લોનના વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કરી દીધો છે.
હોમ અને ઓટો લોન સહિત બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી તમામ પ્રકારની લોનના વ્યાજદર ૧૫ ઓગસ્ટથી વધી ગયા છે. આની સીધી અસર ગ્રાહકોના EMI પર પડશે. આના પહેલા મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે પણ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. એસબીઆઈએ ૧૫ ઓગસ્ટથી જ પોતાના એમસીએલઆરમાં પણ ૦.૨૦ ટકાની વૃદ્ધિ કરી છે.
એમસીએલઆરમાં વધારા બાદ એક વર્ષનો વ્યાજ દર ૭.૭૦ ટકા થઈ ગયો છે. જે પહેલા ૭.૫૦ ટકા હતો. આ રીતે બે વર્ષના એમસીએલઆર ૭.૯ ટકા અને ત્રણ વર્ષનો ૮ ટકા થઈ ગયો છે. હજુ બેન્કની મોટાભાગની લોન એક વર્ષના એમસીએલઆર દર સાથે જોડાયેલા છે.
એસબીઆઈએ ૦.૫૦ ટકાનો વધારો કર્યા બાદ બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોનનો વ્યાજદર એટલે કે EBLR વધીને ૮.૦૫ ટકા પહોંચી ગયુ છે જ્યારે રેપો રેટ RLLR સાથે જોડાયેલી લોનનુ વ્યાજદર ૭.૬૫ ટકા થઈ ગયુ છે. બેન્ક આના આધારે ક્રેડિડ રિસ્ક પ્રીમિયમ પણ લે છે. એટલે કે જો તમે હોમ કે ઓટો લોન લઈ રહ્યા છો તો આ વ્યાજદરમાં ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP) પણ જોડાશે.