કોરોના પછી પહેલીવાર આ લોકમેળો યોજાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭ ઓગસ્ટના રોજ બુધવારે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને સાંજે લોકો માટે ખુલ્લો મુક્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કોરોના પછી પહેલીવાર આ લોકમેળો યોજાઈ રહ્યો છે. આ લોકમેળામાં ૫૬ રાઇડ્સ, ૩૦૦ થી વધુ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા છે. પાંચ દિવસ દરમિયાન ૧૦ થી ૧૫ લાખ લોકો આ મેળો માણશે. લોકમેળા પહેલા ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોની ઝાંખી કરાવતા, રામ વનનું લોકાર્પણ કર્યું હતું. આ રામવનની વિશેષતા એ છે કે, ૪૭ એકર જગ્યામાં બનેલ આ વનમાં ભગવાન રામે કરેલા ૧૪ વર્ષના વનવાસ ઉપરાંત તેમના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે. લોકમેળામાં ૧,૫૫૦ પોલીસ જવાનો ખડેપગે રહેશે તેમજ અહીં ફેશ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનામાં રાજકોટ પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્ણના રંગે રંગાયું છે. આપણે રામવન નામે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અહીં કૃષ્ણમય બનેલા લોકમેળાનો આપણે આજથી પ્રારંભ કર્યો છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના બે મહાન પ્રતીક ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામ સાથે જોડાયેલી ઘટનાઓ રાજકોટમાં આકાર લઈ રહી છે. ભારતમાં નહીં વિદેશમાં પણ લોકો રામ અને કૃષ્ણને માને છે, અનુસરે છે. ભારતમાં થયેલા ઈશ્વરીય અવતારો આપણી સંસ્કૃતિ, માન્યતાઓ, ઉપાસના અને આરાધના, તહેવારો અને ઉત્સવોના કેન્દ્ર સ્થાને રહ્યા છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિ પર ભગવાન શ્રી કૃષ્ણનો ઊંડો પ્રભાવ છે.
આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ લાક્ષણિક શૈલીમાં સંબોધન કર્યું હતું. આ લોકમેળામાં લાખો લોકો ઉમટે છે, પણ એક પણ અનિચ્છનિય ઘટના બનતી નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, લોકમેળા એ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. માણસો અહીં આવે છે અને પોતાનું દુઃખ, શ્રમ, થાક ઉતારીને જાય છે.
આ અવસરે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, રાજકોટ મ્યુનિ.ના મેયર પ્રદીપ ડવ, જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાજકોટ શહેર પોલીસતંત્ર દ્વારા લોકમેળામાં એક પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો છે. જેમાં શસ્ત્ર પ્રદર્શન, ટ્રાફિક જાગૃતિ, સાયબર ક્રાઈમ તેમજ મહિલા પોલીસની શી ટીમની કામગીરીનું નિદર્શન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ નિહાળ્યો હતો. મુખ્યમંત્રીએ ગન હાથમાં લઈને ચેક કરી હતી. આ સ્ટોલમાં દર્શાવાયેલી 1,860ની બ્રિટિશ કાળની એક ગનનો પરિચય શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મુખ્યમંત્રીને આપ્યો હતો.