છોટાઉદેપુરમાં રૂ. ૫.૪૮ કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન બનશે

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે.

રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે.  આ સંદર્ભમાં, તેમણે રાજ્યની છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

છોટાઉદેપુરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ ટેન્કરૂમ, ઓવરહેડ ટેન્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે પાંચ કરોડ ૧૫ લાખ રૂપિયાના કામો, સોલાર રૂફટોપ સિસ્ટમ માટે ૧૫ લાખ રૂપિયા સહિત અન્ય ખર્ચ મળી પાંચ કરોડ ૪૮ લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. શહેરી વિકાસ વિભાગે રાજ્યના ૩૨ જિલ્લાઓમાં ૩૨ નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા ૩૨ વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે. તદઅનુસાર, નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની ૧૬ નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ.૫.૧૪ કરોડ પ્રમાણે રૂ.૮૨.૨૪ કરોડની સૈદ્ધાંતિક અનુમતિ મળેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *