ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે ગણતરીના કલાકોમાં તેના રિટેલ ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. એવી જ રીતે નેચરલ ગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે તરત ગ્રાહકો ઉપર બોજો તબદીલ કરી કંપનીઓ પોતાનો નફો કે નફાનું માર્જિન જાળવી રાખે છે. પરંતુ, ભાવમાં ઘટાડો થાય ત્યારે તેનો સીધો કે તાત્કાલિક લાભ ગ્રાહકોને મળતો નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે સસ્તો ગેસ વાહનોનાના સીએનજી અને ઘર વપરાશના પીએનજીમાં કંપનીઓને ફાળવ્યો પછી એક અઠવાડિયે કંપનીઓએ ભાવ ઘટાડ્યા ન હતા અને નફાખોરી કરી હતી. મોંઘવારી માટે સરકાર બદનામ થાય જયારે નફાખોરી કંપનીઓ કરે એવો ઘાટ ઘડાયો છે.
ભારતમાં સરકારી ગેસના ભાવ દર છ મહીને, આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ફેરફારના આધારે વધે કે ઘટે છે. આ માટે કેન્દ્ર સરકારે ૧૦૧૪ માં એક ચોક્કસ નીતિ અને ફોર્મ્યુલા જાહેર કરેલી છે. જોકે, સ્થાનિક બજારમાં ભાવમાં વધઘટ કંપનીઓ પોતાની પડતર અનુસાર ગમે ત્યારે વધારે કે ઘટાડી શકે છે. ઓગસ્ટ ૨૦૨૧ માં અમદાવાદ ખાતે સીએનજીના ભાવ રૂ. ૫૧.૩૦ હતા જે સતત વધારા પછી ગુરુવાર સુધી રૂ. ૮૭.૩૮ પ્રતિ કિલો થઇ ગયા હતા. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં જ કંપનીએ ભાવમાં પાંચ વખત વધારો જાહેર કર્યો હતો!
૧૧ મહિનામાં સતત ફેરફારના કારણે બન્ને ગેસમાં સરેરાશ ૫૨.૫૫ ટકાનો ભાવ વધારો ગ્રાહકો ઉપર ઝીંકવામાં આવ્યા બાદ હવે સરકારી ગેસની ફાળવણી વધતા ચાર ટકા ઘટાડાની જાહેરાત કરવાની આ કંપનીઓને ફરજ પડી છે. મુંબઈમાં ભાવ ઘટાડાની તત્કાલ જાહેરાતના ત્રણ દિવસ પછી ગુજરાતના ગ્રાહકોને આંશિક સસ્તા ગેસનો ભાવ મળવો શરૂ થશે.
દેશમાં વાહનોમાં વપરાતા સીએનજી અને ઘરેલું વપરાશના પીએનજીના સતત વધી રહેલા ભાવના કારણે ગ્રાહકો ઉપરનો બોજો ધ્યાને લઇ તા.૧૨ ઓગસ્ટે કેન્દ્ર સરકારે સ્થાનિક ઉત્પાદનમાં મોટો હિસ્સો ગેસ વિતરકોને ફાળવવા જાહેરાત કરી. સ્થાનિક કુલ વપરાશમાં સરકારી ગેસનો હિસ્સો અગાઉ ૭૫ થી ૮૪ % હતો જે હવે વધી ૮૯ થી ૯૩ % થવાની શક્યતા ઉદ્યોગવર્તુળ વ્યક્ત કરી રહ્યા છે.
તા.૧૨ ઓગસ્ટની સામે અમદાવાદ અને ગુજરાતમાં કંપનીઓએ ભાવમાં ઘટાડો છ દિવસ પછી જાહેર કર્યો છે જયારે ત્રણ જ દિવસમાં મુંબઈમાં મહાનગર ગેસે ભાવમાં ઘટાડો કર્યો છે. બીજું, મહાનગર ગેસ દ્વારા ભાવમાં પ્રતિ કિલો રૂ. ૬ ના ઘટાડા સામે અમદાવાદમાં ભાવ રૂ. ૪.૭૦ ઘટ્યા છે એટલે એવી શક્યતા છે કે છે સસ્તો સ્થાનિક ગેસ સરકારે આપ્યા પછી પણ તેનો પૂરો લાભ અમદાવાદ કે ગુજરાતની પ્રજાને મળી રહ્યો નથી. .
કેન્દ્ર સરકારે સસ્તા ગેસની ફાળવણીમાં વધારો કર્યાના પાંચ – છ દિવસ પછી ગુજરાતમાં ગેસ વિતરણ કરતી કંપનીઓ અદાણી ટોટલ અને ટોરેન્ટે ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. અદાણીએ પોતાના બજારમાં વાહનોના સીએનજીમાં પ્રતિ કિલોએ રૂ.૪.૭ અને ઘરેલું ગેસમાં પ્રતિ ક્યુબીક મીટર રૂ.૩.૨૦ ના ઘટાડાની જાહેરાત કરી છે. બીજી તરફ, ટોરેન્ટ ગેસ દ્વારા બન્ને પ્રકારના ગેસમાં રૂપિયા પાંચના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.