વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરીમાં ફોટો જર્નાલીસ્ટ એસોશીયેસન અમદાવાદ દ્વારા આયોજીત ફોટો પ્રદર્શનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લુ મુક્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરો યાદગાર ક્ષણોને મુખ્યમંત્રીએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા. કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે.
આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ અમીતભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.