આજે બપોરે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી પીએમ મોદી રાજભવન જશે. સાંજે રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે.
પીએમ મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે ૨૮ ઓગસ્ટના રોજ પીએમ મોદી કચ્છના પ્રવાસે જશે. જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની પીએમ મોદી ભેટ આપશે.
કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ૧,૭૪૫ કરોડના ખર્ચે ૩૭૫ કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલથી ૯૪૮ ગામ અને ૧૦ શહેરોને પાણીનો લાભ મળશે. ૨૮ ઓગસ્ટના રોજ પીએમ મોદી ગાંધીનગર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
PM મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
- તા.૨૭ ઓગષ્ટના રોજ આજે બપોરે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.
- સાંજે ૦૫:૦૦ વાગ્યે ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
- સાંજે ૦૭:૦૦ કલાકે સભા સ્થળેથી રાજભવન જવા રવાના થશે.
- કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
- તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે.
- સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.
- બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે.
- મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૦૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.
- અંદાજે સાંજે ૦૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.
ખાદી ઉત્સવનું ભવ્ય આયોજન
પીએમ મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે એ માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે તો અનેકવિધ પગલાંઓ પણ લીધા છે સાથે સાથે Khadi for fashion, Khadi for nation and khadi for transformation નું સૂત્ર આપ્યું છે ત્યારે આવતીકાલે પીએમ મોદી ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેમાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહ્વાહન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને ભાવાંજલિ આપવા ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ના ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમનું સમાપન સત્ર પીએમ મોદી દ્વારા સંબોધિત થશે.
પીએમ મોદી ચરખો પણ કાંતશે
પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન કરશે. KVIC મુજબ ખાદીના ઉત્પાદનમાં ૧૭૨ ટકા વધારો થયો છે અને ૨૦૧૪થી ખાદીના વેચાણમાં ૨૪૫ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ૧૯૨૦ના દાયકાથી અત્યારસુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના ૨૨ ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે. આ ચરખા ઉત્ક્રાંતિમાં યરવડા ચરખાની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થશે. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓનું પ્રતીક બનશે. આ ચરખા ઉત્ક્રાંતિ પ્રદર્શનની પીએમ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને સાથે જ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.