પ્રભાસ પાટણ
પ્રભાસ પાટણ સોમનાથ ખાતે આવેલા પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શને દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે. ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે નિશુલ્ક ભોજનાલય શરૂ કરાયું છે. આ ભોજનાલયમાં ભક્તિ સંગીતના આનંદ સાથે ભક્તોને તાલીમબધ્ધ કર્મચારીઓ દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન પિરસવામાં આવે છે. દરરોજ હજારો પ્રવાસીઓ સોમનાથ ટ્રસ્ટનો ભોજન પ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે. ટ્રસ્ટના રસોડામાં આધુનીક મશીનની મદદથી રસોઇ તૈયાર થાય છે. જેમા સફાઇ તેમજ સુખાકારીનું ધ્યાન રાખવામાં આવે છે..
ગીર સોમનાથ
ગીર સોમનાથનાં ગીરગઢડા પાસે બાબરીયાનાં જંગલમાં પાતાળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. પાતાળેશ્વર મહાદેવનું આ મંદિર ગીર જંગલ સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલું હોય વર્ષમાં માત્ર બે વખત જ શ્રદ્ધાળુઓને દર્શન કરવા જવા દેવામાં આવે છે. શિવરાત્રી દરમિયાન 5 દિવસ અને શ્રાવણ માસ આખો યાત્રાળુઓને દર્શન અર્થે વન વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. અતિ પ્રાચીન આ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો છે.
સુરેન્દ્રનગર
શ્રાવણ માસના અંતિમ દિવસ શનિવારે અમાસ આવતા આજના દિવસનું અનેરૂ મહત્વ છે. તરણેતરમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ કુંડમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કર્યા હતા. આ મંદિરના કુંડમાં શ્રધ્ધાળુઓ શ્રાવણી અમાસથી ભાદરવા સુદ પાંચમ સુધી સ્નાન કરે છે. આજના પવિત્ર દિવસે લોકો દાન-પૂણ્ય કરે છે. મહાદેવના મંદિરે ભક્તોએ અભિષેક, પુજન અર્ચન કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.