વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સહિતના ૨ કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. પીએમ મોદી ૦૨:૫૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને ૦૫:૩૫ વાગ્યે એરપોર્ટ સુધી રોકાયા હતા. ત્યારબાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ ખાદી ઉત્સવમાં હાજરી આપી હત. ત્યારબાદ તેમણે રેંટિયો કાંત્યો હતો. ખાદી ઉત્સવ બાદ અટલ ફૂટબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા. અહીં ૭,૫૦૦ મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું હતું.ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી ચરખા સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા છે.સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શનિવારે યોજાનારા ખાદી ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો ૯૪ વર્ષ જૂનો ચરખો કાંતશે. રાજ્યભરમાંથી ભાગ લેનારી ૭,૫૦૦ મહિલા પણ ચરખો કાંતી ખાદી ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવાનો મેસેજ આપશે .મોદી ૧૯૨૦થી અત્યારસુધી ઉપયોગમાં લેવામાં આવેલા ૨૨ ચરખા પણ નિહાળશે.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ખાદીના મહત્ત્વને દર્શાવવા આ વિશેષ ઉત્સવનું આયોજન કરાયું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખાદીનું જે વિશેષ મહત્ત્વ હતું એને પણ કાર્યક્રમમાં ઉજાગર કરવામાં આવશે. મોદી આ નિમિત્તે જાહેરસભાને પણ સંબોધશે. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ સહિતના તાલુકા અને જિલ્લામાંથી આવેલા ૭,૫૦૦ મહિલા કારીગર એકસાથે ચરખો કાંતશે. વિશ્વમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત જ થઈ રહ્યું છે. ભાગ લેનારી મહિલાઓ સફેદ સાડી પર તિરંગાનું અંગવસ્ત્ર પહેરશે. રાજ્યમાંથી આવેલા ૭૫ રાવણહથ્થા કલાકારો વડાપ્રધાનનું સ્વાગત કરશે. ૧૯૨૦થી બનેલા વિવિધ પ્રકારના ચરખાની વિશેષ માહિતી પણ રજૂ કરવામાં આવશે. ખાદી ઉત્સવમાં આ પ્રાચીન ચરખા પણ અહીં મૂકવામાં આવ્યા છે.
સાબરમતી નદી પર હવે અટલ ફૂટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પિકનિક અને સાઈક્લિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે, જેના પર ૪૫ મિનિટ વિતાવવાનું ભાડું સરકારે ૩૦ રૂપિયાનું નક્કી કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે હજુ સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે. આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ અહીં ફૂડ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઊભાં કરાયાં છે. એટલું જ નહીં, ફૂટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ફ્લોર પરથી નદી જોઈ શકશે.