સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશે.
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશે. એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના ઉદઘાટન સમારોહ પર સંબોધિત કરતા વિદેશ મંત્રીએ, રાષ્ટ્રમાં સુધાર, પ્રાદેશિક સહયોગ, કનેક્ટિવિટી અને એશિયાની અંદરના સંઘર્ષોના સંચાલન સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે એશિયાનું મોટાભાગનું ભવિષ્ય, ભારત અને ચીન વચ્ચેના સંબંધો કેવી રીતે વિકસિત થાય છે તેના પર નિર્ભર છે.
તેમણે કહ્યું કે, સકારાત્મક માર્ગ પર પાછા ફરવા અને ટકાઉ કરારો માટે સંબંધ ત્રણ બાબતો પર આધારિત હોવો જોઈએ – પ્રથમ પરસ્પર સંવેદનશીલતા, બીજું પરસ્પર સન્માન અને ત્રીજું પરસ્પર હિત. વિદેશમંત્રીએ કહ્યું કે, હાલની સ્થિતિ ચોક્કસપણે આપણે બધા જાણીએ જ છીએ. હું ફક્ત આ વાત કહી શકું છું કે, સીમાની પરિસ્થિતિઓ સંબંધની સ્થિતિ નક્કી કરશે.