આજરોજ મંત્રી કિરીટસિંહ રાણાએ આ મેળો ખુલ્લો મુક્યો હતો.
આજે ભાદરવા સુદ ત્રીજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે. આગામી ૨ સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે. આજરોજ મંત્રી કિરીટસિંહ રાણાએ સવારે મંદિરમાં શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ સરકારના માહિતી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું અને પ્રદર્શન નિહાળ્યું હતું. મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક રમતો રમવામાં આવે છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપ્યું હતું.
વર્ષોથી લોક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ભાતિગળ મેળો યોજાય છે. કિરીટસિંહ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે. જે પ્રાચીન યુગથી ઋષિમુનીઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે. લમ્પી વાયરસના કારણે આ વખતે પશુ હરીફાઈ તેમજ પશુ પ્રદર્શન રદ કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ ચોથના દિવસે ત્રીનેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવવામાં આવશે. ભાદરવા સુદ પાંચમના દિવસે ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલ કુંડની અંદર સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે.