ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા ઓગસ્ટ-૨૦૨૨માં માસિક ૨૨૪ મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ

અગાઉ ઓગસ્ટ ૨૦૧૩ માં મહત્તમ ૨૨૧.૨૬ મિલિયન મિલિયન યુનિટ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમના ૫૦ વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક ૨૨૪ મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશિતાનું પરિણામ જણાવીને તમામ નાગરિકોને આ અવસરે શુભેચ્છાઓ પાઠવી છે.

આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ  ૩૦૦ મેગાવોટ ( ૭૫ મેગાવોટ x ૪ = ૩૦૦ મેગાવોટ )ના હાઈડ્રો પાવર તથા જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ ૫ મેગાવોટ ( ૨.૫ મેગાવોટ x ૨ = ૫ મેગાવોટ) હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે.

ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ  થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું.

ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. ઉકાઈ બંધમાં ઈન્ફ્લો ૩ લાખ ૬૦ હજાર ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો ૧ લાખ ૮૫ હજાર ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખી પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરાઈ છે.

આ પાણી હાઈડ્રો પાવર ઉત્પાદનમાં વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા ઓગસ્ટ – ૨૦૨૨માં ૨૨૪ મિલિયન યુનિટ હાઈડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલ છે, જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે, છેલ્લા પચાસ વર્ષમાં આ એક રેકોર્ડ  છે. અગાઉ ઓગસ્ટ ૨૦૧૩ માં મહત્તમ ૨૨૧.૨૬૭ મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *