ભારત મુલાકાતે આવેલાં બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાની રિસેપ્શન સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં રિસીવ કર્યા હતા. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે ૭ સમજૂતી થઈ શકે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, જ્યારે લિબરેશન વોર થઈ, અમારા દેશે જ્યારે સ્વાધીનતા મેળવી ત્યારે ભારત અને અહીંના લોકોએ અમારો સાથ આપ્યો, સપોર્ટ કર્યો. એ માટે હું હંમેશાં ભારતની આભારી રહીશ.
રાષ્ટ્રપતિ ભવનમાં શેખ હસીનાએ કહ્યું- ભારત અમારું મિત્ર છે. ભારત આવવાનું હંમેશાં પસંદ છે, કારણ કે તે મને હંમેશાં યાદ અપાવે છે કે આ દેશે બાંગ્લાદેશની આઝાદીમાં ખૂબ મદદ કરી હતી. અમારા મૈત્રી સંબંધો છે અને અમે હંમેશાં એકબીજાને મદદ કરીએ છીએ.
અમારું મુખ્ય ફોક્સ અમારા લોકોની વચ્ચે સહયોગ વધારવો, ગરીબી ખતમ કરવી અને ઈકોનોમી સુધારવાનો છે. આ મુદ્દાઓને સાથે રાખીને અમે બંને દેશ કામ કરી રહ્યા છીએ. આનાથી ભારત-બાંગલાદેશ જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના લોકોનું જીવનધોરણ સુધરશે.