અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરની ત્રાસની સ્થિતિ યથાવત્ રહેતાં ગુજરાત હાઈકોર્ટે આજે ફરી એકવાર રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓને જોરદાર ફટકાર લગાવી હતી અને મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી રજૂ કરાયેલા મહત્વના સોગંદનામામાં જણાવાયુ હતું કે, હવેથી ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ સીધી પાસા હેઠળ કાર્યવાહી કરાશે અને સાથે સાથે આઇપીસીની કલમ-૩૩૮,૩૩૨,૧૮૮ અને ૧૮૯ હેઠળ પણ કાર્યવાહી થશે. હાઇકોર્ટે આ સોગંદનામાને રેકર્ડ પર લઇ રાજયના પોલીસ વડાને બહુ મહત્વનો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, રખડતા ઢોરના ત્રાસના નિવારણના ભાગરૂપે ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવા સહિતના નિર્દેશો જારી કરો. આ માટે તમામ જિલ્લા પોલીસ વડા સહિતના સંબંધિત ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી કાર્યવાહી કરો.
રખડતા ઢોરની સમસ્યા બહુ ગંભીર અને જટિલ હોઇ રાજય સરકારને પણ આ મામલે પૂરતુ ધ્યાન આપવા અને વિશેષ વોર રૂમ શરૂ કરવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. અમદાવાદ સહિત રાજયભરમાં રખડતા ઢોર પકડવા અને તેના ત્રાસ નિવારણ માટે સરકાર અને અમ્યુકો સહિતના સત્તાવાળાઓ દ્વારા પૂરતા પગલાં લેવાયા નથી તેવી ગંભીર આલોચના કરી હાઇકોર્ટે તા.૧૫ મી સપ્ટેમ્બર સુધી રાજયભરમાં સતત ૨૪ કલાક પેટ્રોલીંગ કરી રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા અમ્યુકો સહિત તમામ મનપા અને નગરપાલિકા સત્તાવાળાઓને હાઇકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો હતો.
રખડતા ઢોરોના ત્રાસ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ અરજી અને અન્ય જાહેરહિતની રિટમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર, અમ્યુકો સહિત તમામ મનપા અને નગરપાલિકાને આ મામલે એકશન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવા હુકમ કર્યો હતો. વધુમાં હાઇકોર્ટે રાજય સરકાર, અમ્યુકો સહિતના સત્તાધીશોને લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એકશન પ્લાન રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. તો પોલીસ કમિશરને રખડતા ઢોરના ત્રાસ નિવારણ માટે ચોક્કસ એકશન પ્લાન મુદ્દે સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે સમગ્ર રાજયની સ્થિતિને લઇ વિગતવાર જવાબ રજૂ કરવા રાજય પોલીસ વડાને પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે આજે શહેર સહિત રાજયભરના માર્ગો પરથી રખડતા ઢોરોનો ત્રાસ કોઇપણ સંજોગોમાં દૂર કરવા અમ્યુકો સહતિના તમામ સત્તાવાળાઓને બહુ મહત્વનો નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટ એડવોકેેટ્સ એસોસીએશન તરફથી રખડતા ઢોર માલિકો વિરૂદ્ધ સબક સમાન પગલાં લેવા અને ઢોર પાર્ટી પર હુમલો કરનારા તત્વો વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.