અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા માટે વિચારણા કરી રહ્યા છે. જોકે બીજી બાજુ તેમના પર ખૂબ જ ગંભીર આરોપો પણ છે. FBI દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવા દસ્તાવેજો બહાર કાઢ્યા છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે, ૨૦૨૪ માં તેઓ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે સૌ કોઈ ઈચ્છી રહ્યું છે કે ચૂંટણી લડે.
ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અત્યાર સુધીમાં લોકપ્રિયતા માટે જેટલા પણ સર્વે થયા (રિપબ્લિકન પાર્ટી કે પછી વિપક્ષી) તેમાં પોતે સૌથી આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘હું આ સર્વેમાં અને દરેક સર્વેમાં આગળ ચાલી રહ્યો છું, મને લાગે છે કે હું નજીકના ભવિષ્યમાં જલ્દી જ નિર્ણય લઈશ. અને મને લાગે છે કે મારા નિર્ણયના કારણે અનેક લોકોને આનંદ થશે.’
ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ભારતીય-અમેરિકી વેપારી શલભ કુમાર તેમના સાથે છે એ ૨૦૨૪ માં તેઓ ચૂંટણી લડશે તેનો સંકેત છે ? ઉલ્લેખનીય છે કે, શલભ ઘણાં લાંબા સમયથી ટ્રમ્પ સાથે સંકળાયેલા છે અને તેમના કેમ્પેઈનમાં પણ પૈસા લગાવતા હોય છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે લાંબા સમયથી મિત્રો છીએ. વર્ષ ૨૦૧૬ અને પછી ૨૦૨૦ ની ચૂંટણીના પ્રચારમાં તેઓ મારા સાથે હતા.’