પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રશિયાએ તેલનો પુરવઠો રોકવાની ધમકી આપી હોવા છતાં પણ ભાવમાં આ ઘટાડો જળવાયો છે. ડોલરની કિંમતમાં તેજી અને માંગમાં ઘટાડાની સંભાવનાએ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. યુએસ બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડનો ભાવ ૮૫ ડોલરથી નીચે આવ્યો છે અને બ્રેન્ટનો ભાવ ૯૦ ડોલરથી નીચે ઉતરી ગયો છે.
પેટ્રોલ-ડીઝલનો ભાવ આઠ મહિનાના તળિયે પહોંચી ગયો છે. આના લીધે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે.
મોંઘવારીને કાબૂમાં કરવા માટે વિશ્વભરની મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. આ સમયે રોકાણકારોને ડર છે કે વિશ્વના ઘણા દેશ મંદીની ઝપેટમાં આવી શકે છે. ચીને કોરોનાના રોગચાળાથી બચવા માટે આકરુ લોકડાઉન લાદ્યુ છે. તેનાથી માંગ પ્રભાવિત થઈ છે.
ઓપેક દેશોએ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો. તેના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી હતી, પરંતુ તેણે આ સરસાઈ ગુમાવી દીધી છે. સાઉદી અરેબિયા એશિયા અને યુરોપમાં પોતાના ગ્રાહકો માટે આગામી મહિનાની પરિવહન કિંમતમાં ઘટાડો કર્યો છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૩૯ ડોલર પર પહોંચી ગયો હતો, જે ૨૦૦૮ પછીનો ટોચનો ભાવ હતો. પણ તાજેતરમાં તેનો ઘટાડો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૭૨ રુપિયા અને ડીઝલની કિંમત ૮૯.૬૨ રુપિયા પર સ્થિર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૬.૩૧ રુપિયા છે અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૯૪.૨૭ રુપિયા છે.