રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત ૧૨મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રાંત સ્તરના કાર્યક્રમો ધંધુકા, બાવળા, દસ્ક્રોઈ અને વિરમગામ ખાતે યોજાશે. ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો પણ યોજાશે. ૧૩મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસયાત્રા’નો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત ₹ ૬૦.૮૭ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને મળશે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં ”વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂ. ૧૦૩ કરોડથી વધુના ૫૮૩ કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ જનતાને મળશે.
ધંધુકામાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધોળકામાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દસ્ક્રોઇમાં ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલ તેમજ વિરમગામમાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીનની અધ્યક્ષતામાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના કાર્યક્રમો યોજાશે. ૧૩મી સપ્ટેમ્બરના રોજ પીરાણા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર તથા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમોને સફળ બનાવવા સમગ્ર જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.