ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી વરસાદી સિસ્ટમ સક્રિય છે. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૧૨ સપ્ટેમ્બરે એટલે કે આજે સુરત અને નર્મદામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
૧૩ સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ, ખેડા, આણંદ ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં છુટોછવાયો, જ્યારે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
૧૪ સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાથે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. ૧૫ સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે.