ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુજરાત ATSએ વધુ એકવખત મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાની અંદર ૬ માઈલ અંદર એક પાકિસ્તાની બોટને ૨૦૦ કરોડની કિંમતના ૪૦ કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી. ICGની બે ફાસ્ટ એટેક બોટોએ ગુજરાતના જખૌ કિનારે ૩૩ નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. IMBL નજીકથી આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પંજાબની જેલમાં બંધ નાઈઝિરિયને આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ ૬,૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.