કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરતના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સુરતના પ્રવાસે હતા. જે દરમિયાન સવારે હિન્દી દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ આપ્યા બાદ હજીરા સ્થિત કૃભકો (કૃષકભારતી કો-ઓપ.લિ.) ના રૂ.૩૫૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૨.૫૦ લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું.

અમિત શાહે સુરત ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. ધારાસભ્યો, સંગઠન પદાધિકારીઓ સાથેની આ મિટિંગમાં વિધાનસભા ચૂંટણીને લઈ માર્ગદર્શન તેમજ જરૂરી દિશાનિર્દેશ સુરત ભાજપના પદાધિકારીઓને આપ્યા હતા. આ બેઠકમાં સુરતની તમામ બેઠકો પર જીત મેળવવા મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, મનપાના હોદ્દેદારો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકો (કૃષકભારતી કો-ઓપ.લિ.) ના રૂ.૩૫૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૨.૫૦ લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં રૂ. ૪૬૦૦૦ કરોડની બચત થઈ છે, જેનો સીધો અર્થ એ છે કે શેરડી, મકાઈ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોના પરિશ્રમના પરિપાકરૂપે આ રૂ. ૪૬૦૦૦ કરોડની રકમ તેમના સુધી પહોંચી છે.

સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન અને ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરાશે એવી પણ ગૃહમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી. આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આમ્રપાલી ઓપન એર થિએટર, કૃભકો ટાઉનશીપ ખાતે આયોજિત સહકારિતા સંમેલન સહ કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટના ખાતમુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાસેથી મોટા પાયે મકાઈની ખરીદી કરવામાં આવશે, જે તેમના માટે આવકના નવા રસ્તા ખોલશે, તેમજ મકાઈ, શેરડી, ડાંગર પકવતા ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *