મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હરિયાણામાં પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં સહભાગી થશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ બેઠકમાં સહભાગી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની એક દિવસીય મુલાકાતે જશે.  હરિયાણા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના આમંત્રણથી સહભાગી થવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આ ગુરૂકુળ કૂરૂક્ષેત્રમાં નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઇન્સ્ટીટયુટ દ્વારા અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રસાયણમુકત ખેતી તરફ વાળવાનો સફળ આયામ હાથ ધરવામાં આવ્યો છે . ગુજરાતમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતાથી લાખો કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ડાંગ જિલ્લો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો પણ જાહેર થયેલો છે .

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘બેક ટુ બેઝિક’નો વિચાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને સાકાર કરવાની દિશામાં ગુરૂકુળ કુરૂક્ષેત્રની મહત્વની ભૂમિકા છે . ગુજરાત અને હરિયાણાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો જે માર્ગ લીધો છે તેની સફળતા અને લાભાલાભના ચર્ચા-પરામર્શ ગુરૂકુલ કુરૂક્ષેત્ર ખાતે યોજાનારી સમીક્ષા બેઠકમાં હાથ ધરાશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ કૃષિમંત્રી જે.પી.દલાલ સહિત કેન્દ્ર સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સચિવ અને હરિયાણાના વરિષ્ઠ સચિવો આ સંવાદ બેઠકમાં જોડાશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ગુરૂકુળ કુરૂક્ષેત્રની મુલાકાતમાં શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને મુખ્ય સચિવ પંકજકુમાર પણ જોડાવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *