સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભાના કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૨મા જન્મદિન નિમિત્તે ૭૨ હજાર વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મૂળદ ગામથી વૃક્ષારોપણનો શુભારંભ કરી સૌએ રોપાઓના વાવેતર સાથે ઉછેરનો સંકલ્પ લીધો હતો.
ઉપરાંત, ઓલપાડ તાલુકાના મૂળદ ગામે પૂજા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને મૂળદ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા ૮ હળપતિ આવાસોનું કૃષિ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા ઘરવિહોણા હળપતિ લાભાર્થીઓને આવાસની ચાવીઓ અર્પણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીના હસ્તે કુંવરબાઈનું મામેરું યોજનાના લાભાર્થીઓને ચેક અને આશરે ૧ હજાર વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ પણ કરાયું હતું.
આ પ્રસંગે જણાવ્યું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાત જાતે ૫૦ ટકા વીજળી ઉત્પન્ન કરતું સ્વનિર્ભર રાજ્ય બનશે. તેમણે ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં હાલ સુધી ૩ હજાર ૭૨ કરોડ રૂપિયાના વિકાસકામો થયા હોવાનું અને સરકારની વિવિધ યોજનાઓમાં સૌથી વધારે ૪ લાખ ૭૭ હજાર લાભાર્થીઓ લાભાન્વિત થયા હોવાનું ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આગામી સમયમાં ગામોની સ્ટ્રીટ લાઈટો સોલારથી સંચાલિત થાય એવી બજેટમાં રાજ્ય સરકારે જોગવાઈ કરી છે.. આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારિયો, લાભાર્થીઓ, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.