રાજકાજ અને વહીવટનું નગર એવું આપણું પાટનગર ગાંધીનગર, ચૂંટણી પહેલાં અસંતુષ્ટ કર્મચારીઓના આંદોલનનું સમરાંગણ બની ગયું છે. ઘનઘોર વનોના રખેવાળો હોય, કે દેશના સીમાડાના પૂર્વ પ્રહરીઓ હોય કે પછી રાજ્યના ચોથાવર્ગના કર્મચારી હોય કે છેવાડાના ગામડાના ઉપેક્ષિત વોલન્ટિયર કોમ્પ્યુટર આંતરપ્રેન્યોર અહીં રોજે રોજ રાજ્યના ખૂણે ખાંચરેથી સરકારી કર્મચારીઓ પોતાની વેદનાનો અવાજ સંભળાવવા આવી રહ્યા છે. કેટલાક કર્મચારી સંગઠનો અહીંની સત્યાગ્રહ છાવણીમાં લાંબા સમયથી પોતાની માગણીની ધૂણી ધખાવી બેઠા છે, તો કેટલાક સંગઠનોએ ચૂંટણી પહેલા સરકાર પર દબાણ ઊભું કરવાની તક ઝડપી લીધી છે.
ગાંધીનગરમાં વિવિધ સંગઠોનોના આંદોલન યથાવત્ છે. ગાંધીનગરમાં નિવૃત આર્મી જવાનોનું આંદોલન ચાલી રહ્યું છે. આ ઉપરાંત વનપાલ, આંગણવાડીની મહિલાઓ, આરોગ્ય કર્મચારીઓ, VCE કર્મીઓ, વિદ્યાસહાયકો, આશા વર્કરો બહેનો, વર્ગ ૩ – ૪ના કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, મધ્યાન ભોજન કર્મચારીઓનું આંદોલન યથાવત છે. તો કિસાન સંઘ પણ પડતર માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યું છે. આ તમામ આંદોલનના કારણે પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગાંધીનગરમાં હાલ પોલીસ કિલ્લેબંધી કરવામાં આવી છે. લગભગ સાત જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. CRPFની વધારાની ફોર્સ પણ કામે લગાડવામાં આવી છે.
ગાંધીનગરમાં VCEની હડતાળ યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે VCE કર્મીઓની હડતાળ પણ ૧૨ માં દિવસમાં પ્રવેશી છે, પોતાની માગણીઓના ઉલ્લેખ સાથેના બેનર હાથમાં લહેરાવતા વીસીઈ આજે થોડા વધારે આક્રમક દેખાઈ રહ્યા છે. તમામ વીસીઈ વિકાસ કમિશનરની કચેરીએ પહોંચ્યા છે. આ કર્મચારીઓની માગણીઓનું લિસ્ટ થોડું મોટું છે. જેના પર એક નજર કરીએ તો કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી નિમણૂક, સરકારી લાભો સાથે સમાન કામ સમાન વેતન, પરિવારને આરોગ્ય સુવિધા અને વીમા કવચ, VCEની કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવો, VCEને વર્ગ-3ના દરજ્જાના કર્મચારી ગણવા, ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવું અને નોકરીની સુરક્ષા આપવાની માગ આવી અનેક પ્રકારની માગણીને લઈને તેઓ છેલ્લાં ૧૨ દિવસથી પાટનગર ગાંધીનગરમાં આંદોલની ધૂણી ધખાવીને બેઠા છે.
રાજ્યના વર્ગ ૩ – ૪ ના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ ગાંધીનગરમાં દેખાવો કરી રહ્યા છે. નિયમિત ભરતી અને જૂની પેન્શન યોજના, વય નિવૃત્તિની ઉંમર વધારવા સહિતની માંગોને લઈને કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
રાજ્યભરમાંથી વન રક્ષકો ગાંધીનગર પહોંચી ગયા છે. જેઓ ભરતી, બઢતી તેમજ નોકરીનો સમય ફિક્સ કરવા સહિત રજા પગારની માંગણી કરી રહ્યાં છે. તદુપરાંત નવા રક્ષક ૨,૮૦૦ ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે, જ્યારે વનપાલ ૪,૨૦૦ ગ્રેડ પેની માંગ કરી રહ્યાં છે. ગાંધીનગર અરણ્યભવનની બહાર વનપાલકો અને વન રક્ષકો એકઠા થયા છે. પોતાની મુખ્ય ૪ માગોને લઈ મહિલા – પુરૂષ કર્મચારીઓનું આંદોલન યથાવત છે. આંદોલનને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે.
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વેને લઈ વિરોધ થઈ રહ્યો છે. ગાંધીનગર, થરાદ સહિતના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ, અમારી ખેતીલાયક જમીન અમે નહીં આપીએ. સરકાર પુરતું વળતર ન આપતી હોવાનો ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે.