દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
માલધારી સમાજ દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર વિરૂદ્ધ લડત આપી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા તેમજ સરકાર સુધી અવાજ પહોંચાડવા આજે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. જેને લઇને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં દૂધની ડેરીઓ બહાર દૂધ લેવા લોકોએ પડાપડી કરી હતી.
ગઇકાલે સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી. ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અમુક શહેરોમાં દૂધ ન મળવાની આશંકાએ દૂધ લેવા માટે પડાપડીની ઘટના ઘટી છે. ત્યારે સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ સુરત જિલ્લામાં ૩ થી વધુ દૂધના ટેમ્પોમાં તોડફોડ કરી છે. આ સાથે ટેમ્પોમાં રહેલું દૂધ પણ રસ્તામાં ઢોળી દીધું હતું. જેથી સુમુલ ડેરીએ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે દૂધનું વિતરણ કર્યું હતું.
સુમુલ અને ચોર્યાસી ડેરીના તમામ કાઉન્ટરો પર દૂધ મળશે. દરેક સેન્ટરો પરથી પર્યાપ્ત માત્રામાં દૂધ મળી રહેશે. બંને ડેરીઓ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો છે. માત્ર માલધારીઓ દ્વારા છૂટક દૂધ વેચાણ બંધ રહેશે. શહેરીજનોને દૂધની અછત બાબતે ચિંતા ન કરવા અપીલ.