ગુજરાત: મુખ્યમંત્રીએ રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ કામો માટે રૂ.૫૦૮.૬૪ કરોડની ફાળવણીની મંજૂરી આપી

કુલ ૫,૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.૫,૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા ઉદાત્ત અભિગમથી રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. ૫૦૮.૬૪ કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મંજૂરી આપી છે.

રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા ૯૮ રસ્તાઓના કુલ ૭૫૬ કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે. તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ ૫,૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. ૫,૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે. એટલું જ નહિ ૨,૭૬૩ કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. ૧,૭૬૨ કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ તેમજ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વેગવાન બનાવવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *