અમિત શાહે પૂર્ણિયામાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મારી મુલાકાતથી લાલુ યાદવ અને નીતિશ કુમારના પેટમાં દુ:ખાવો થઇ રહ્યો છે.’ અમિત શાહે લાલુજીને ચેતવણી આપતા કહ્યું કે, “નીતિશ બાબુ કાલે તમને પણ છોડીને કોંગ્રેસની ગોદમાં બેસી જશે. નીતિશ કુમારે સૌની સાથે દગો કર્યો છે. PM બનવાની લાલચમાં નીતિશ કુમારે છૂરો ભોંક્યો. પ્રતિષ્ઠિત સમાજવાદીના જોર્જ ફર્નાન્ડિસને પણ દગો આપ્યો. જોર્જનું સ્વાસ્થ્ય ખરાબ થતા જ તેઓને હટાવીને સમતા પાર્ટીના તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા. ત્યાર બાદ લાલુજી સાથે કપટ કર્યું.’ આમ, અમિત શાહે લાલુ યાદવને નીતિશ કુમારને લઇને ચેતવણી આપી હતી.
અમિત શાહે નીતિશ કુમારને પૂછ્યું કે, ‘તેઓ ઘાસચારા કૌભાંડ અંગે ઘણું બધુ બોલતા હતા, હવે શું કહેશે? ઘાસચારા કૌભાંડના લોકો તો તમારા મંત્રી બની ગયા છે.’ શાહે કહ્યું કે નીતીશ કુમાર કોંગ્રેસ વિરોધી રાજનીતિની પીઠમાં છરો ભોંકી RJD અને કોંગ્રેસના ખોળામાં બેસી ગયા. તેઓ કહી રહ્યાં છે કે, ‘હું અહીં ઝઘડો કરાવા આવ્યો છું. હું અહીં કોઈને ઝઘડો કરાવવા નથી આવ્યો. લાલુ પોતે લડાઈ શરૂ કરવા માટે કાફી છે. મોદીજીના શાસનમાં કોઈએ ડરવાની જરૂર નથી. નીતિશે કેવી રીતે પોતાના રાજકીય લાભ માટે તુરંત પક્ષ બદલી નાખ્યો.’
શાહે કહ્યું કે જ્યારથી નીતીશે આરજેડી સાથે સરકાર બનાવી છે ત્યારથી બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. શું તમારે જંગલ રાજ જોઈએ છે? શું ફરીથી હિંસારાજ જોઈએ છે? શું તમારે ફરીથી અપહરણ રાજ જોઈએ છે? હવે બિહારમાં ભયનું વાતાવરણ સર્જાઇ ગયું છે.
૨૦૨૪ માં લાલુ અને નીતીશના સૂપડા સાફ થઈ જશે. બિહારની જનતાએ તમને અત્યાર સુધી લાભ આપ્યા છે, પરંતુ હવે જનતા તમને ઓળખી ગઈ છે. હવે બિહારમાં ભાજપનું જ કમળ ખીલશે. લાલુ-નીતીશ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે લાલુ-નીતીશની જોડી હવે ખુલ્લી પડી ગઈ છે. તેઓ બિહારને આગળ લઈ જઈ શકતા નથી. હવે બિહારને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકાર જ આગળ લઈ જઇ શકે છે.