અમગાચી અને રાનીગંજમાં સ્થિત ચાર સરહદ સર્વેલન્સ ચોકીઓના બિલ્ડિંગનું ઉદઘાટન કરશે.
ગૃહમંત્રી અમિત શાહનો બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે ચાર નિરીક્ષણ ચોકીઓ ફતેપુર, પેક્ટોલા, બેરિયા અમગાચી અને રાનીગંજમાં સ્થિત ચાર સરહદ સર્વેલન્સ ચોકીઓના બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. તેઓ જિલ્લાના BSF કેમ્પમાં BSF, SSB, અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ( ITBP)ના DG સાથે સરહદ સુરક્ષા અંગે સમીક્ષા કરશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ – BSFના કેમ્પમાં યોજાનારી આ બેઠકમાં સરહદી વિસ્તારોના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. દિલ્હી જતા પહેલા અમિત શાહ કિશનગંજમાં સુંદર સુભૂમિ કાર્યક્રમમાં હાજરી આપશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે માતા ગુજરી કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રીએ ગઈકાલે બિહારની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવા સાંસદો, ધારાસભ્યો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે રાજ્ય માટે રાજકીય વ્યૂહરચના ઘડવા માટે ભારતીય જનતા પાર્ટીના બિહાર એકમની કોર કમિટી સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. દરમ્યાન ગૃહમંત્રીએ ગઇકાલે પૂર્ણિયાના રંગભૂમિ મેદાન ખાતે જનભાવના સંમેલનને સંબોધતાં કહ્યું છે કે આર.જે.ડી. અને કોંગ્રેસના ગઠબંધન સાથે સરકાર બનાવીને નીતિશકુમારે બિહારની જનતા સાથે દગો કર્યો છે. નીતિશકુમાર ખુરશી ખાતર રાજ્યના લોકોને છેતરી રહ્યા છે. તેઓ સ્વાર્થ અને સત્તાની રાજનીતિ કરી રહ્યા છે, જયારે ભાજપ લોકોની સેવા અને વિકાસ માટે કામ કરે છે. તેમણે કહ્યું કે બિહારના લોકોએ નરેન્દ્ર મોદીના નામ પર મત આપ્યા પરંતુ નીતીશ કુમારે જનાદેશનું ઉલ્લંઘન કર્યું છે.