ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. તેમજ કોઇ એક પક્ષના આગેવાનો કોઇ અન્ય પક્ષમાં જોડાતા રાજકારણમાં પણ ગરમાવો આવે છે. એવામાં ભાજપ-કોંગ્રેસના બે ધારાસભ્યો એકસાથે જોવા મળ્યા.
કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓ ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા. ધોરાજીમાં ખોડલધામ પરિવાર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપ નેતા જયેશ રાદડિયા એકસાથે માતાજીની આરતી કરતા જોવા મળ્યા. લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે તાલમાં તાલ મેળવતા દેખાઇ રહ્યાં છે. જોકે તમને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં ધારાસભ્યો અનેકવાર ભાજપ નેતાઓ સાથે જોવા મળતા હોય છે. જેના લીધે અનેકવખત રાજકારણમાં ગરમાવો આવતો હોય છે.
તાજેતરમાં જ એકાદ મહિના અગાઉ રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમાળાના લોકાર્પણમાં પણ ભાજપ- કોંગ્રેસ નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. જેમાં લલિત વસોયાનો ફરીવાર ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો.