આદ્યશક્તિ માં દુર્ગાની પૂજાના ૯ દિવસીય નવરાત્રી પર્વનો આજથી આરંભ થયો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
આજે પ્રથમ દિવસે દેવી દુર્ગાની શૈલપુત્રી તરીકે પૂજા કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, માતાના મઢ સહિત રાજ્યભરના માઈ મંદિરોમાં આજે ખાસ પૂજા-અર્ચના, અભિષેક જેવા કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદનાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવનું આજે રાત્રે ૦૮:૩૦ વાગે ઉદઘાટન કરશે.
ગરબા સ્પર્ધા, મહાઆરતી, હસ્તકલા બજાર, થીમ પેવેલીયન, ફુડ સ્ટોલ અને થીમ આધારીત વિવિધ સ્થળોની ઝાખીઓ દર્શાવાશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પાયે રાસ – ગરબાનું આયોજન કરાયું છે. અમદાવાદની વાત કરીએ તો એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.