અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ પ્રધાનમંત્રી ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ રૂ. ૭,૯૦૮ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડો. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રૂ. ૧,૯૬૭ કરોડના ખર્ચે બનેલા ૮,૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩,૧૭૨ આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તે સિવાય રૂ. ૧૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને રૂ. ૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા – થરાદ – ડીસા – લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે.
નવી તારંગા હિલ – આબુ રેલવે લાઇનનું ભૂમિપૂજન
કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. રૂ. ૨,૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું પ્રધાનમંત્રી ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ રૂ. ૧,૮૮૧ કરોડના ખર્ચે નિર્મિત ૬૨.૧૫ કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરશે.
અંબાજીમાં જાહેરસભા, ત્યારબાદ પ્રધાનમંત્રી ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે
અંબાજી ખાતે જાહેરસભામાં વડાપ્રધાન દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે ૦૭:૦૦ થી ૦૭.૩૦ વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન રૂ. ૫૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.