ગૃહમંત્રી શાહે ગુજરાતની બાજી સંભાળી

મંગળવારે કમલમમાં બંધ બારણે બેઠક યોજાયા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠક કરશે

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી બાજુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.

ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પહોંચી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં નેશનલ ગેમ્સના આયોજન અંગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન રોડ શૉ, સભા સહિતના કાર્યક્રમોની તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આ દરમિયાન પક્ષ તરફથી  પણ કાર્યક્રમો કરવા માટે અમિત શાહે કાર્યકરોને સૂચનો આપ્યા હતા અને તેના આગોતરા આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમિત શાહે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *