ભારત શુક્રવારે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુ. એસ. અને અલ્બેનિયા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું, જેમાં રશિયાના “ગેરકાયદે લોકમત” અને યુક્રેનિયન પ્રદેશો પર તેના કબજાની નિંદા કરવામાં આવી હતી. ઠરાવમાં માગ કરવામાં આવી હતી કે રશિયા તરત જ યુક્રેન માંથી તેના સૈન્યને હટાવે. કાઉન્સિલના ૧૫ દેશો આ ઠરાવ પર મતદાન કરવાના હતા, પરંતુ રશિયાએ તેની વિરુદ્ધ વીટોનો ઉપયોગ કર્યો, જેના કારણે ઠરાવ પસાર થઈ શક્યો નહીં. આ ઠરાવના સમર્થનમાં ૧૦ દેશોએ મતદાન કર્યું અને ચાર દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ૪ વિસ્તારોને રશિયા સાથે જોડી દીધા, ત્યારબાદ મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધમાં તણાવ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે યુક્રેનમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ વ્યથિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના મતદાનમાં ભારતે ભાગ ન લીધો તે પછી ઉદ્ભવતા મતભેદો અને વિવાદોને ઉકેલવાનો એકમાત્ર રસ્તો “વાતચીત” છે.
ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં રશિયન લોકમત અને યુક્રેનના પ્રદેશોને રશિયામાં જોડવા સિવાય હિંસાનો તાત્કાલિક અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. ભારત, ચીન, ગેબોન અને બ્રાઝિલે આ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. વોટિંગમાં ભાગ ન લીધા બાદ કંબોજે કહ્યું કે હિંસાનો તાત્કાલિક અંત લાવવા માટે સંબંધિત સભ્યો દ્વારા તમામ પ્રયાસો કરવા જોઈએ. તેમણે કહ્યું કે મતભેદો અને વિવાદોને ઉકેલવાનો એકમાત્ર રસ્તો વાતચીત દ્વારા છે.
માત્ર સંવાદથી જ મતભેદો અને વિવાદોને ઉકેલી શકાય છે, ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય. ત્યારે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે કહ્યું કે ધમકી અથવા બળનો ઉપયોગ કરીને અન્ય દેશના પ્રદેશ પર કબજો કરવો એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.
૨૭ યુરોપીય સંઘના (EU)સભ્ય દેશોએ એમ પણ કહ્યું હતું કે તેઓ રશિયા દ્વારા આયોજિત ગેરકાયદેસર લોકમતને ક્યારેય માન્યતા નહીં આપે જે યુક્રેનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું વધુ ઉલ્લંઘન કરવાના બહાના તરીકે આયોજીત કર્યું હતું. રશિયાએ યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝ્યા પર ‘જનમત’ યોજીને આ વિસ્તારોને પોતાના દેશમાં સામેલ કર્યા છે. વિશ્વના ઘણા દેશો રશિયાના આ પગલાની નિંદા કરી રહ્યા છે.