પનીર પ્લાન્ટ રૂપિયા ૩.૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે.
વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણમાં સુરસાગર ડેરી ખાતે પનીર પ્લાન્ટનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ઉપરાંત સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચેક વિતરણ અને દૂધ સંઘની વિવિધ સહાયકારી યોજનાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો. સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, રોજની ૨ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા આ પનીર પ્લાન્ટ રૂપિયા ૩.૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે. પહેલા આપણે પનીર સાબર જેવી બહારની ડેરીઓ માંથી લાવતા હતાં, જ્યારે આજે આપણી પાસે પોતાનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાંથી ૧૦૦gm, ૨૦૦gm, અને ૧ kg માં પનીરનું પેકેજીંગ થશે. જેના થકી જિલ્લાને તાજું પનીર મળશે.
છેવાડાના લોકોને સરકારની વિવિઘ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. મા કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ જેવી આરોગ્ય યોજનાઓના કારણે લોકોને આરોગ્ય અંગેનું સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે. આમ સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકોનુ કલ્યાણ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તા, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓની પણ તકલીફ હતી પણ આજે ગુજરાતમાં દરેકે-દરેક ગામમાં પાકા રસ્તા, પાણી સહિતની સુવિધાઓનું માળખુ મજબૂત કરવામાં આવ્યું છે અને અંતરિયાળ ગામનાં લોકો સુધી આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જમીન વિકાસ બેંકના ચેરમેન મંગળસિહ પરમાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.