પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં તૈયાર થયેલ ૭૫૦ બેડ વાળી એમ્સ હોસ્પિટલનું ઉદધાટન કર્યું હતું. આ હોસ્પિટલ ૪૭૦ કરોડના ખર્ચે તૈયાર થઇ છે. પ્રધાનમંત્રીએ હોસ્પિટલના થ્રી ડી મોડલનું અવલોકન કર્યું હતું. ઉદધાટન બાદ પ્રધાનમંત્રીએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. આ આધુનિક હોસ્પિટલમાં ૧૮ સ્પેશ્યાલિટી અને ૧૭ સુપર સ્પેશ્યાલિટી વિભાગ છે. અહી ૧૮ આધુનિક ઓપરેશન થિયેટર તેમજ ૬૪ આઇ.સી.યુ. બેડ છે. આ હોસ્પિટલ ૨૪૭ એકરમાં વિકસીત છે. જેમાં ૨૪ કલાક તાત્કાલીક સારવાર, ડાયાલીસીસ, તેમજ અલ્ટ્રા સ્પેશ્યાલીટી, સીટી સ્કેન એમ.આર.આઇ જેવા આધુનિક મશીનરીથી યુક્ત સાથે અમૃત ફાર્મસી જનઓષધી કેન્દ્ર અને ૩૦ આયુષ બેડથી સજ્જ છે. અહીના અંતરિયાળ લોકોની સેવા માટે ડીજીટલ આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરાયું છે. આ હોસ્પિટલની ટીમ દ્વારા વધુ ઉચાઇ વાળા ક્ષેત્રમાં આરોગ્યની સેવા પહોચતી કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૧૭ માં આ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.
આજે બપોરે ૧૨:૩૫ કલાકે બિલાસપુરના લુહનુ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. જ્યાં હવે તેઓ રૂ. ૩,૬૫૦ કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી લગભગ બપોરે ૦૩:૧૫ કુલ્લુના ધલપુર મેદાન પર પહોંચશે, જ્યાં તેઓ કુલ્લુ દશેરાની ઉજવણીમાં ભાગ લેશે. AIIMS બિલાસપુરના ઉદ્ઘાટન દ્વારા સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાની પ્રધાનમંત્રીની દુરંદેશી અને પ્રતિબદ્ધતા ફરી પ્રદર્શિત થઈ રહી છે. હોસ્પિટલ, જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા ઓક્ટોબર ૨૦૧૭ માં કરવામાં આવ્યો હતો, તે કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી NH-૧૦૫ પર પિંજોરથી નાલાગઢ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવા માટે લગભગ ૩૧ કિલોમીટર લાંબા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેની કિંમત રૂ.૧,૬૯૦ કરોડ છે. પ્રોજેક્ટ રોડ અંબાલા, ચંદીગઢ, પંચકુલા અને સોલન/શિમલાથી બિલાસપુર, મંડી અને મનાલી તરફ જતા ટ્રાફિક માટે મુખ્ય કનેક્ટિંગ લિંક છે. આ ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો લગભગ ૧૮ કિમીનો વિસ્તાર હિમાચલ પ્રદેશમાં આવે છે અને બાકીનો ભાગ હરિયાણામાં આવે છે. આ હાઇવે હિમાચલ પ્રદેશના ઔદ્યોગિક હબ નાલાગઢ-બદ્દીમાં બહેતર પરિવહન સુવિધા સુનિશ્ચિત કરશે અને આ પ્રદેશમાં વધુ ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. તેનાથી રાજ્યમાં પ્રવાસનને પણ વેગ મળશે.