કડવા પાટીદારના આગેવાન વાલજીભાઈ ફળદુએ કહ્યું કે, ‘રાજકીય પક્ષો સમાજની સંખ્યા પ્રમાણે ટિકિટ આપે. અમે કહેશું તેમ નહીં થાય તો તાકાત બતાવીશું.’ જ્યારે અન્ય આગેવાન જેરામભાઈ પટેલે કહ્યું કે: ‘આ સામાજિક સંમેલન છે. સમાજની એકતા, સમાજનું સંગઠન અને ભાઇચારો વધે એના માટેનું આજનું અમારું આ આયોજન છે. સ્વાભાવિક છે કે ચૂંટણી નજીક આવી રહી છે. એટલે લોકો બધાય વિચારે તો પણ અમને એમાં કંઇ વાંધો નથી. ટિકિટની વાત છે ત્યારે અમે બધા જ પક્ષો સામે માંગણી કરી છે કે વધારેમાં વધારે બધા જ પક્ષો ચાહે કોઇ પણ હોય તે અમને ટિકિટ આપે. પાટીદાર સમાજ આજે બિઝનેસમાં ખૂબ જ આગળ છે. એટલે અમારી જેટલી ટકાવારી છે એટલા જ અમારા કારખાનામાં બીજા સમાજના માણસો કામ કરે છે. એટલે અમે બધાને વિનંતી કરી છે કે વધારેમાં વધારે ટિકિટ દરેક પક્ષો અમને આપે તો ચોક્કસ અમે એમને ન્યાય અપાવીશું.’
કડવા પાટીદારોની ચૂંટણીમાં બાદબાકી સાંખી નહીં લેવાય તેવું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારને ગઈ ટર્મમાં ભાજપે ૮ ટિકિટ આપી હતી. જેમાં માણાવદર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, મોરબી અને સુરેન્દ્રનગર બેઠક પર ટિકિટ મળી હતી. ત્યારે આ વર્ષે ફરી ચૂંટણીમાં રાજકીય પક્ષો કડવા પાટીદારને પ્રતિનિધિત્વ આપે તેવા સૂર ઉઠ્યા. ૨૦૧૨ માં ભાજપે કડવા પાટીદારને માણાવદર અને કેશોદમાં ટિકિટ આપી હતી. જ્યારે ૨૦૧૭ માં કેશોદમાં કોળી સમાજ અને માણાવદરમાં કડવા પાટીદાર સમાજના ઉમેદવાર લડ્યા હતા.