મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તાપીથી ૧૩માં ગરીબ કલ્યાણ મેળાનો કરાવશે શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. ગરીબ કલ્યાણ મેળાની ૧૨ રાજ્યવ્યાપી શૃંખલાઓમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળા થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી હતી.

આજથી તા. ૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૧૪ મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તે ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૯ – ૧૦ થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *