નોબલ પુરસ્કાર વિજેતા પ્રો. ક્રેમરનો દાવો, જળ જીવન મિશન (JJM)થી ભારતમાં બાળમૃત્યુદરમાં મોટો ઘટાડો થયો છે
બાળકોનું જીવન બચાવવામાં સ્વચ્છ ભારત અભિયાનની સફળતા પછી હવે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના જળ જીવન મિશનને પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા મળી છે. નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકન પ્રોફેસર માઇકલ ક્રેમરનો દાવો છે કે, સ્વચ્છ ભારત અભિયાનથી ભારતમાં દર વર્ષે ત્રણ લાખથી વધુ બાળકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ જળ જીવન મિશન પણ બાળમૃત્યુ દરમાં મોટો ઘટાડો લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે (UNDP) જળ જીવન મિશનની નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ યોજનાને વિશ્વના અન્ય પછાત દેશોમાં લાગુ કરવી જોઇએ.
વર્ષ ૨૦૧૯ માં સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં નળ સે જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં દેશના ૪ રાજ્ય અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશશ ૧૦૦ ટકા નળ સે જળ જાહેર થઈ ચૂક્યા છે અને ટુંક સમયમાં ગુજરાતનું નામ પણ તેમાં સામેલ થવા જઇ રહ્યું છે. ગુજરાતમાં ૯૯.૭૯ ટકા નળ સે જળનું કામ પૂરું થઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની દેખરેખમાં ઝડપથી યોજનાઓને લાગૂ કરીને ભારતના લગભગ ૫૪ ટકા ઘરોને સ્વચ્છ પીવાના પાણીની યોજનાઓ સાથે સાંકળવામાં આવ્યા છે.
JJMએ ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી
- જળ જીવન મિશનનું ધ્યેય ભારતના તમામ ગામડાઓમાં દરેક ઘરમાં ચોવીસ કલાક ચોખ્ખું પાણી પૂરું પાડવાનું છે. દેશના દરેક ઘરમાં સ્વચ્છ પાણીની પહોંચ સાથે, પાણીજન્ય રોગોને કારણે બાળ મૃત્યુદરમાં તીવ્ર ઘટાડો થયો છે.
- જો આંકડાઓ પર નજર કરવામાં આવે તો ૨૦૧૯ માં ગુજરાતમાં જેજેએમની શરૂઆત થઈ તે પહેલાં ૫ વર્ષથી ઓછી વયના શિશુઓનો મૃત્યુદર પ્રતિ ૧,૦૦૦ લાઈવ બર્થ ૨૮ હતો. જે ૨૦૨૨ માં ઘટીને ૧,૦૦૦ લાઈવ બર્થ પર ૨૩ થઈ ગયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એ વાત માની છે કે, બાળ મૃત્યુદરમાં આ ઘટાડા માટે જળ જીવન મિશનનો મહત્વનો ફાળો છે.
- ગુજરાતના આરોગ્ય વિભાગનું માનવું છે કે આવનારા ૧ – ૨ વર્ષમાં પાણીજન્ય રોગોથી પીડિત બાળકોની સંખ્યામાં હજુ ઘટાડો થશે. જેમ જેમ ઘરમાં સ્વચ્છ પાણી પીવાનું વધશે તેમ તેમ તેની સીધી અસર ઘરમાં રહેતા તમામ લોકોના જેમાં ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય પર પડશે. આમ, આ મિશન આવનારા સમય માટે રાજ્ય સ્તરના બાળ મૃત્યુદરને ઘટાડવામાં પણ વધુ મદદરૂપ બનશે.
કેવી રીતે ખાસ છે પ્રો. ક્રેમરનો રિસર્ચ રિપોર્ટ?
ભારતીય અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમને સંબોધતા પ્રો. ક્રેમરે જણાવ્યું હતું કે, તેમના અભ્યાસમાંથી એક મહત્વપૂર્ણ તારણ એ મળી આવ્યુ છે કે, જો પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તો બાળ મૃત્યુ લગભગ ૩૦ ટકા ઘટાડી શકાય છે. જેમ કે, ‘હર ઘર જળ’ કાર્યક્રમ ખાસ કરીને બાળકોમાં આરોગ્યના ધોરણોને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિકાગો યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર માઈકલ ક્રેમરનું પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્રેમર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો સરકાર તેનું JJM લક્ષ્ય હાંસલ કરે તો દર વર્ષે ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૧.૩૬ લાખ બાળકોને બચાવી શકાય છે.