૧૬૨ વર્ષ પહેલા વર્ષ ૧૮૬૦ માં પાટણના સુખડીયા પરિવારે આ મિઠાઈની શોધ કરી હતી.
પાટણ ઐતિહાસિક વારસો ધરાવતુ શહેર છે, જ્યાંની રાણીની વાવ, પાટણના પટોળા, પાટણનું મશરું કાપડ અને માટીના રમકડા, પેપર આર્ટ વિશે તમામ લોકો માહિતગાર છે. આ ઐતિહાસિક વારસાની સાથે સાથે પાટણ મિઠાઈમાં પણ આગવું સ્થાન ધરાવે છે. પાટણના દેવડા વગર તમામ તહેવારો અધૂરા લાગે છે. દિવાળીનો તહેવારો હોય કે, બહાર ફરવા જવાનું હોય ત્યારે અન્ય માવાની મિઠાઈની ખરીદી પહેલા સૌથી પહેલા અને સૌથી વધુ દેવડાની માંગ રહે છે. દેવડા મિઠાઈની માંગને પહોંચી વળવા મિઠાઈની દુકાનોમાં દેવડા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.
આ દેવડાની ખાસ વિશેષતા શું છે તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ૧૬૨ વર્ષ પહેલા વર્ષ ૧૮૬૦ માં પાટણના સુખડીયા પરિવારે આ મિઠાઈની શોધ કરી હતી. અન્ય મિઠાઈની સરખામણીએ દેવડા વધુ સમય સાચવી શકાય છે. ઉપરાંત આ મિઠાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે. આ મિઠાઈની માંગ માત્ર પાટણ પૂરતી જ નહીં પરંતુ, દેશ વિદેશમાં પણ આ મિઠાઈની માંગ વધી રહી છે. આબાલ વૃદ્ધ સહુ લોકોને આ મિઠાઈ ખૂબ જ પસંદ આવી રહી છે. આ મિઠાઈ ચોકલેટ, બટર સ્કોચ, કેસર જેવા ફ્લેવર્સમાં પણ ઉપલબ્ધ છે. મુંબઇ, સુરત, કલકત્તા અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તેમજ આરબ દેશોમાં પણ દેવડા લોકોની પ્રથમ પસંદ બની ગઈ છે.