પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરાખંડના પ્રવાસ દરમ્યાન આજે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરાખંડના પ્રવાસ દરમ્યાન આજે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ છે. પ્રધાનમંત્રીએ કેદારનાથ ધામે પૂજા આર્ચના કરી હતી. કેદારનાથમાં દર્શન બાદ રૂ. ૨,૪૩૦ કરોડના ખર્ચે ૯.૭ કિલોમીટરના કેદારનાથ રોપવેનો શિલાન્યાસ કર્યો હતો. આ રોપવે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. ઉપરાંત પ્રધાનમંત્રીએ વિવિધ રૂ. ૩,૪૦૦ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું શિલાન્યાસ કરી આદીગુરુ શંકરાચાર્ય સમાધિના દર્શન કર્યા હતા. મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથનું નિરીક્ષણ કરી સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે ઉતરાખંડના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાઓની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. જેનાથી સીમાવર્તી ક્ષેત્રોમાં તમામ સીઝનને અનુરૂપ સંપર્ક પણ ઉપલબ્ધ રહેશે. આ પરિયોજનાઓથી ગઢવાલ વિસ્તારમાં ધાર્મિક પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બદ્રીનાથમાં પૂજા કર્યા બાદ ચમોલી જિલ્લામાં માણા ગામમાં જનસભાને સંબોધન કરશે.