ગઈકાલે મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૪૧ થી વધુ જોવા મળી રહ્યો છે. હાલ સૌથી વધુ લોકો મોરબી અને રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
આ ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ મોરબી પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળ તેમજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. તમામને પુરતી સારવાર મળી રહે, તેવી તેમણે ખાતરી આપી હતી.
દિવાળીના રજાના છેલ્લાં દિવસોમાં ઘટેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટવીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ પી.એમ. રાહત કોષમાંથી મૃતકોને રુપિયા ૨ લાખની સહાય અને ઇજાગ્રસ્તોને ૫૦ હજારની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને રૂપિયા ૪ લાખની સહાય અને ઇજાગ્રસ્તોને ૫૦ હજારની જાહેરાત કરી છે.
અત્યાર સુધીના તમામ અપડેટ
– મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના : અત્યાર સુધીમાં ૧૪૧ લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
– ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
– CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
– આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
– મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે ૨ લાખ અને રાજ્ય સરકારે ૪ લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
– તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: ૦૨૮૨૨ ૨૪૩૩૦૦
– મુખ્યમંત્રીએ ૫ સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે ૦૨:૦૦ વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
– દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
– ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
– જવાબદારો સામે કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો