આઠ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો અને દુર્ઘટના બની
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ૧૪૩ વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ ૦૬:૦૦ વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી ૨૫ થી વધુ બાળકો સહિત ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને ૬ – ૬ લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
આ તરફ ગુજરાત માહિતી વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૭૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ૧૯ લોકો સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુજરાત પોલીસની મરીન ટાસ્ક ફોર્સે રાતભર મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
દર્દનાક અકસ્માત બાદ સળગતા સવાલ
- ઓરેવા કંપનીએ બ્રિજનું સમારકામ સાત મહિના સુધી કર્યું હતું પરંતુ પાલિકાનું ફિટનેસ સર્ટિફિકેટ ન મળતાં દુર્ઘટનાના ચાર દિવસ પહેલા તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આખરે ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ કેમ ખુલ્લો મુકાયો ?
- બ્રિજની ક્ષમતા લગભગ ૧૦૦ લોકોની હતી પરંતુ ૨૫૦ થી વધુ લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ પુલ આટલા લોકોનું વજન સહન કરી શક્યો ન હતો. બ્રિજ પર અચાનક આટલી ભીડ ક્યાંથી આવી ?
- બ્રિજ પર પહોંચેલા લોકોને કેમ રોકવામાં ન આવ્યા ?
- પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્રિજ ખોલવામાં આવ્યો ત્યારે કર્મચારીઓનું ધ્યાન ભીડ પર નહોતું, તેઓ વધુને વધુ ટિકિટો વેચવામાં વ્યસ્ત હતા. શું કંપનીએ માત્ર નફો કરવા માટે ધાર્યા કરતાં વધુ ટિકિટો વેચી હતી ?
- પુલને ફરીથી ખોલવા માટે કંપનીને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું નથી. આ પછી પણ બ્રિજ ખોલવાનું જોખમ કેમ લેવામાં આવ્યું?