મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્ય વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સુકેશ ચંદ્રશેખરે લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તેણે આમ આદમી પાર્ટી નેતાને પ્રોટેક્શન મની તરીકે ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા અને દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં એક મુખ્ય પદ માટે પાર્ટીને ૫૦ કરોડ રૂપિયા દાન આપ્યું હતું. સુકેશે આ મામલે એલજી દ્વારા તપાસની માંગ કરી છે.
ભાજપ આમ આદમી પાર્ટી પર ઘણા હુમલા કરી રહ્યું છે. બીજેપી નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘આ એક મોટો મુદ્દો છે! સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટી મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની આપ્યા હતા. અને પાર્ટીને લગભગ ૫૦ કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આમાં કોઈ શંકા નથી કે આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્શન પાર્ટી કેમ કહેવામાં આવે છે.
સુકેશે તેના પત્રમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈને મને પૈસા આપવા માટે મજબૂર કર્યો હતો અને તેના દબાણના કારણે ૨ – ૩ મહિનાના ગાળામાં ૧૦ કરોડની રકમ મારી પાસે વસૂલવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદી દ્વારા લેવામાં આવ્યા હતા. આ રીતે મેં સત્યેન્દ્ર જૈનને ૧૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
સુકેશે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન છેલ્લા ૭ મહિનાથી તિહાર જેલમાં બંધ છે પણ તેઓ એ મને ડીજી જેલ સંદીપ ગોયલ અને જેલ પ્રશાસન દ્વારા ધમકી આપી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે મારા પર દબાણ બનાવ્યું હતું અને મને હેરાન કરવામાં આવ્યો હતો.