ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જંગ ખેલાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો ૧૦૮ ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે, જેમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ બેઠકમાં ૧૮૨ બેઠક પર ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થશે. ૧૮૨ બેઠક માટે ઉમેદવારોનાં નામો નક્કી કરવા ગુરુવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થવા જઈ રહી છે. આજે મળનારી બેઠકમાં ૪૭ બેઠક પર ઉમેદવારો નક્કી થશે.
ભાજપની ચૂંટણીલક્ષી બેઠકમાં ૧૩ જિલ્લાની ૪૭ બેઠક પરના ઉમેદવારો નક્કી થશે, જેમાં મુખ્યત્વે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા, મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર બેઠક પરના ઉમેદવારોનું મંથન થશે. નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોનાં નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડને મોકલવામા આવશે. સ્ટેટ પાર્લમેન્ટરી બોર્ડમાં ૧૪ સભ્યનો જ સમાવેશ થતો હતો. છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ તેમાં સમાવેશ થયો છે.