પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોની મુલાકાતે છે. પ્રધાનમંત્રી કર્ણાટક અને તમિલનાડુના પ્રવાસ બાદ શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના વિખાખાપટ્ટનમ પહોંચ્યા હતા.
પીએમ વિશાખાપટ્ટનમમાં રૂપિયા ૧૦,૫૦૦ કરોડથી વધુના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ પ્રથમ વખત વિશાખાપટ્ટનમની મુલાકાતે પહોંચ્યા છે. વિકાસ પરિયોજનાઓના ઉદ્ધાટન અને શિલાન્યાસ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિશાખાપટનમ ભારતનું એક વિશિષ્ટ પટનમ છે, આ શહેર ખાસ છે જેમાં હંમેશા વેપારની સમૃદ્ધ પરંપરા રહી છે. આ પરિયોજનાઓથી આંધ્ર પ્રદેશ અને તેના તટિય ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થશે.
આંધ્રપ્રદેશના લોકોએ શિક્ષણ, ઉદ્યોગ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉપરાંત લોકોને સંબોધિત કરતા પીએમએ જણાવ્યું હતું કે, અત્યારે લગભગ દરેક દેશ પોતાની ઘટતી અર્થવ્યવસ્થાને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, પરંતુ ભારત કેટલાક ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધીને વિકાસની નવી ગાથા લખી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદી ૧૧ નવેમ્બરે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. તેમણે અહીં રોડ શો કર્યો હતો. ૧.૫ કિલોમીટરના આ રોડ શો દરમિયાન રોડની બંને બાજુ મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો હાજર રહ્યા હતા. વડાપ્રધાને રાજ્યમાં ભાજપના સહયોગી જનસેના પાર્ટીના અધ્યક્ષ અને ફિલ્મ સ્ટાર કે.કે. પવન કલ્યાણને પણ મળ્યા હતાં. આ બેઠક બાદ પવન કલ્યાણે કહ્યું કે ભવિષ્યમાં આંધ્રપ્રદેશના સારા દિવસો આવવાના છે.
આંધ્રપ્રદેશ બાદ પીએમ તેલંગાણાના પ્રવાસે જશે. મોદી રામાગુંડમમાં રૂ. ૯,૫૦૦ કરોડથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે. અગાઉ, પ્રધાનમંત્રીએ શુક્રવારે બેંગલુરુમાં મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું કે ભારતે હવે તૂટક તૂટક દોડવાના દિવસો પાછળ છોડી દીધા છે અને હવે તે ઝડપથી દોડવા માગે છે. દેશ આ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યો છે.