કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે તેમના પરિવારની સાથે મતદાન કર્યું હતું, જ્યારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ મત આપવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતાં.
હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ૬૮ બેઠકો પર ૧૧:૦૦ વાગ્યા સુધીમાં ૧૭.૯૮ ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશની ૬૮ બેઠકો પર ૪૧૨ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કેટલાક અગ્રણી નેતાઓ પણ મતદાન કર્યુ હતું જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે તેમના પરિવારની સાથે મતદાન કર્યું હતું, જ્યારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ મત આપવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ વખતે આ બેઠકો પર કુલ ૫૫,૯૨,૮૮૨ મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચના પ્રમાણે હિમાચલ પ્રદેશમાં આ વખતે ૨૮,૫૪,૯૪૫ પુરૂષ અને ૨૭,૩૭,૮૪૫ મહિલા તથા ૩૮ થર્ડ જેન્ડર મતદાતા મત આપશે. આની સાથે રાજ્યમાં ૬૭,૫૫૯ સર્વિસ વોટર, ૫૬,૫૦૧ દિવ્યાંગ અને ૨૨ એનઆરઆઈ વોટર પણ છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે અને મતગણતરી ૮ ડિસેમ્બરે થવાની છે. જ્યારે મતદાનની પ્રક્રિયા આજે સવારે ૮ વાગ્યથી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. આ વખતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચે ૭,૮૮૧ મતદાન કેન્દ્રો બનાવ્યા છે. નોંધનીય છે કે, આ વખતે હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ત્રણે પાર્ટીઓએ પ્રદેશની તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અત્યારે હિમાચર પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપની સરકાર ચાલી રહી છે.