ગાંધીનગરની બેઠકોમાં ઉમેદવાર ક્યારે જાહેર થશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે ૧૬૬ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમજ ૧૬ બેઠકો પર ઉમેદવારોને લઈ ભાજપનું કોકડું ગુચવાયું છે.

રિપોર્ટ મુજબ ગાંધીનગર જિલ્લાની બેઠકોમાં ટિકિટ આપવા મુદ્દે ભાજપમાં મૂંઝવણ છે. મહત્વનું છે કે, ગાંધીનગર જિલ્લાની એક બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે હવે ગાંધીનગર દક્ષિણ બેઠક પર સ્થાનિકને ટિકિટ આપવા માગ ઉઠી છે. તો બીજી તરફ દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો મુજબ ગાંધીનગર ઉત્તર બેઠક પર પાટીદાર ચહેરાને ભાજપમાંથી સ્થાન મળી શકે છે.

ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રીટા પટેલ તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન પટેલને ટિકિટ મળી શકે છે. આ સાથે માણસા બેઠક પર ડી.ડી.પટેલ અને જે.એસ.પટેલના નામ પર ચર્ચા તો કલોલ બેઠક પર પાટીદાર કે ઠાકોર ચહેરાને ટિકિટ મળી શકે છે. મહત્વનું છે કે, કોંગ્રેસે ગાંધીનગર જિલ્લામા ૩ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં માણસા બેઠક પર બાબુજી ઠાકોર, કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ બેઠક પર હિમાંશુ પટેલનું નામ જાહેર થયું છે.

જોકે મહત્વની વાત છે કે,  કોંગ્રેસ ગાંધીનગર ઉત્તર અને દહેગામ બેઠક પર મોટા નેતાઓને લડાવી શકે છે. જેમાં દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડ સાથે મહેન્દ્રસિંહ વાઘેલાના નામની ચર્ચા ચાલી રહી છે. આ સાથે ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ નીશીત વ્યાસના નામ અને વિરેન્દ્રસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલાના નામની પણ ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *