ગુજરાત વિધાનસભાની આગામી પાંચમી ડિસેમ્બરે યોજાનારી ૯૩ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં ૭૧૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે ૧૮ મીએ તેમની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર છે. આથી વિધાનસભાની ૧૮૨ બેઠકો ઉપર કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે, તો ચિત્ર ૨૧ મી નવેમ્બરે સાંજે સ્પષ્ટ થશે. આગામી ૫ મી ડિસેમ્બરે મતદાન થશે અને ૮ મી એ મતગણતરી હાથ ધરાશે. દરમ્યાન રાજ્ય વિધાનસભાની પહેલી ડિસેમ્બરે યોજાનારી ૮૯ બેઠકોની ચૂંટણી માટે ભરાયેલા એક હજાર ૩૬૨ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૯૯૯ ઉમેદવારી પત્રો માન્ય રાખ્યા છે. જ્યારે ૩૬૩ ઉમેદવારીપત્રો રદ કર્યા છે.
પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ૮૯ બેઠકો માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, તે ચિત્ર આજે સાંજે સ્પષ્ટ થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૫૧,૭૮૨ મતદાન મથકોમાં મતદારોની સંખ્યા દોઢ હજારથી વધી ગઈ છે. આવા મતવિસ્તારોમાં પૂરક મતદાન મથક બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ સરળતાથી કરી શકે તે હેતુથી તમામ મતદાન મથકોએ લઘુત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ચૂંટણીપંચ દ્વારા મતદાન અંગે જાગૃત્તિ માટે વિવિધ પહેલો હાથ ધરાઈ છે. મતદાન જાગૃત્તિ માટે ચૂંટણીપંચે – અવસર લોકશાહી છે. અભિયાન શરૂ કર્યું છે. એક અનોખી પહેલ અંતર્ગત ગાંધીનગરનાં પાંચ મતદાન વિસ્તારોમાં અમૂલ દૂધની કોથળીઓ દ્વારા મતદાન જાગૃત્તિ સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સાયકલ રેલીઓ અને અવસર રથ દ્વારા મતદાન વધારવા અંગેનાં સંદેશા અપાઈ રહ્યા છે.