દહેગામ બેઠકને લઇને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ધગધગતા આરોપ લગાવ્યા છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે ૧ કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ ૫૦ લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને ૧ કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી છે. આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે. ત્યારે કામીની બાની ઓડિયો ક્લીપ મામલે જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી.
આ મામલે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, એમની (કામીનીબા)ની ટિકીટ કપાયા બાદ એમને કેમ શંકા થઇ છે. બીજી બાજુ એમને ટિકીટ ન મળી હોવાથી તે કોંગ્રેસને બાદનામ કરવાનું કૃત્ય કરી રહ્યા છે. જો આ મામલાને સત્ય સાબિત કરી બતાવો તો સંડોવાયેલ ગમે તેવી મોટી તોપ હશે પગલાં લેવામાં એક મિનિટ વાર નહિ લાગે. હું છોડીશ નહીં તેમ જગદીશ ઠાકોરે કહ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપતા કહ્યું કે કામિનીબા સાથે ચર્ચા કરી ત્યારે આ મામલે કેમ મારી સાથે વાત ન કરી ? આ ઉપરાંત તેમણે કહ્યું કે ટિકિટ કપાયા બાદ મીડિયાને જાણ કરી તે શંકા પેદા કરે છે. સાથે એમ પણ કહ્યું હતું કે મારી પાસે આવીને ટિકિટ માટે રૂપિયા મંગાયાની વાત સાબિત કરી બતાવો અને આ મામલે જો કોઈ ગુનેગાર હશે તો તેને છોડવામાં નહીં આવે. તેવી ખાતરી પણ જગદીશ ઠાકોરે આપી હતી. તથા તમે ખોટા હશો અને પાર્ટીને બદનામ કરવા ગતકળા કરતા હશો તો તમારા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જગદીશ ઠાકોરએ અંતમાં ઉમેર્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ કહ્યું કે ટિકિટ માંગવીએ તમામનો અધિકાર છે પણ ટિકિટ કપાયા બાદ કામીનીબાનું આ પ્રકારનું નિવેદન બનાવટ કરી હોવાની શંકા ઉપજાવે છે. વધુમાં એમને કોઇ શંકા હોય તો રઘુ શર્મા, અશોક ગહેલોત સહીતના કોંગ્રેસના મોવડી મંડળમાં રજુઆત કરવી જોઇએ. આ મામલે માત્ર ૧૫ % પણ સાબિતી આપો અને માન્ય હશે તો કોંગ્રેસના ગમે તેવા મોટા માથા હશે તો તેના વિરુદ્ધ પગલાં અને ફરિયાદ કરવામાં આવશે.