સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વ સમુદાયને આબોહવા પરિવર્તન, કોવિડ રોગચાળાના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા, સાથે મળીને કામ કરવા માટે આહ્વાન કર્યું છે. તેઓ નવી દિલ્હીમાં હિંદ-પ્રશાંત પ્રાદેશિક મંત્રણા – ૨૦૨૨ ને સંબોધી રહ્યા હતા. સંરક્ષણ મંત્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિશ્વ સમુદાય સાચા અર્થમાં સાથે મળીને સલામતી ક્ષેત્ર માટે કામગીરી કરશે ત્યારે જ લાભદાયક વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ કરી શકાશે.
સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, ભારત-પ્રશાંત ક્ષેત્ર વૈશ્વિક સમુદાયના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, આ હિંદ-પ્રશાંત વિસ્તારમાંથી પસાર થતા સૈકાઓ જૂના જળ માર્ગોના કારણે વૈશ્વિક વેપાર વધારવામાં મદદ મળી છે. રાજનાથસિંહે હિંદ પ્રશાંત વિસ્તારના સંદર્ભમાં આશિયાન કેન્દ્રમાં હોવાની બાબત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ભારત બહુપક્ષીય નીતિમાં વિશ્વાસ ધરાવે છે અને આ બાબતો લાગતા વળગતાઓને સાથે લઈને કામગીરી કરવાથી શક્ય બનશે.