સવારે ૦૮:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી લોકો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકાશે.
આવતીકાલે ૧ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે – જે અનુક્રમે ૧. મોરબી માળિયા, ૨. ટંકારા પડધરી અને ૩. વાંકાનેર કુવાડવા બેઠક છે. સવારે ૦૮:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી લોકો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકાશે. ચૂંટણી વિભાગ દ્વારા EVM મશીન સહિતનું સાહિત્ય તમામ મતદાન મથકો ઉપર પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લાના ૯૦૬ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ સીટ પર મતદાન માટે ચૂંટણી પંચે ૨૫,૪૩૦ મતદાન મથકો તૈયાર કર્યા છે. જેમાં ૮૯ મોડલ મતદાન મથકો, ૮૯ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, ૮૯ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, ૬૧૧ સખી મતદાન મથકો અને ૧૮ મતદાન મથકો યુવા સંચાલિત છે. તો આ સમગ્ર મતદાનની પ્રક્રિયામાં ૧,૦૬, ૯૬૩ કર્મચારીઓ ખડેપગે રહેશે.