૧૪ જિલ્લાની ૯૩ વિધાનસભા બેઠક પર મતદાન થઇ રહ્યું છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આજે ૯૩ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે, સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આ તબક્કામાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત ૧૪ જિલ્લાની ૯૩ વિધાનસભા બેઠક પર મતદાન થઇ રહ્યું છે. સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પંચે વ્યાપક વ્યવસ્થા કરી છે. બીજા તબક્કાના મતદાનમાં ૨.૫૧ કરોડ મતદારો ૮૩૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાં ૬૯ મહિલા ઉમેદવારો પણ મેદાને છે. ૧૩ સીટો અનુસુચિત જનજાતિ માટે અનામત સીટો છે અને ૬ સીટો અનુસુચિત જાતિ માટે અનામત રખાઇ છે. ૮ ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના સાત મંત્રીઓ ઉપરાંત ભાજપના હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના સુખરામ રાઠવા અને જિજ્ઞેશ મેવાણી, તેમજ આપ પાર્ટીના ખીમાભાઇ ચૌધરી પણ આ તબક્કામાં ચૂંટણી મેદાનમાં છે.
મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ શહેરી મતદારોને ઉદાસીનતા ખંખેરીને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારોમાં વધુ મતદાન થયું હોવાનું પી.ભારતીએ જણાવ્યું હતું. કોઈ પણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, જે મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં. દરેક મતદારો પોતાની સાથે ૧૨ પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે.